પ્રો.ડૉ.મહેન્દ્ર છત્રારા ના વિખ્યાત પુસ્તક ઝળહળ ઝાકળમાંથી સાભાર...
૧.
પ્રાર્થનાની પરિભાષા
પહાડીઓમાંથી પ્રભાતે ડોકિયું કરતો સૂર્ય હોય કે છલકાતા સરોવરની પાળ હોય, દિવ્ય સંગીત રેલાવતી સરિતાનો પટ હોય કે ઘેઘૂર વનની લીલીછમ સુશાંત વૃક્ષઘટાઓ હોય, ફેનિલ સાગરના અફાટ ઝળહળતા જળમાં આથમતા સૂર્યનો લાલબંબોળ ગોળો હોય કે અમાસની તારાખચીત ઝિલમિલ મધ્યરાત્રિ હોય. પૂર્ણિમાની ‘શુભ્ર જ્યોત્સના પુલકિત યામિની” હોય - પ્રકૃતિના પ્રભાવે આભારવશ હૈયું પરમાત્માને ઝૂકી રહે તે પ્રાર્થના. તેને ભાષાની જરૂ૨ રહેતી નથી. અવાક્ નિસર્ગની સૌંદર્યશોભા અંતરના તાર ઝંકૃત કરી દે એ જ પ્રાર્થના !
૨.
પરમ મુર્ખોતમ
માણસને સૌથી બુદ્ધિશાળી પ્રાણી કહેવામાં આવે છે, પણ વિચાર કરતાં તે સૌથી વધારે મૂર્ખ લાગે છે ! પશુ- પક્ષી સમગ્ર સૃષ્ટિમાં ગમે ત્યાં વિહરી શકે, તેમને જ્ઞાતિ- જાતિના વાડા નહીં, દેશ-પરદેશના સીમાડા નહીં, માણસે જમીન પર સરહદો આંકી, સાગરમાં સીમાઓ આંકી, તેના માટે લોહિયાળ યુદ્ધો કર્યાં.
હવે તે અવકાશમાં તેવું કરવા પ્રવૃત્ત થયો છે. કરુણતાતો એ છે કે તેણે તેના સર્જનહારનાય ભાગ પાડ્યા છે - સોના ભગવાન જુદા - પરમાત્માને વહેંચી લીધા ! અરે ! મનુષ્યોના પણ ભાગલા પાડ્યા. જાતિ-જ્ઞાતિ, પંથ-ઉપપંથના. માણસથી મોટો મુર્ખ બ્રહ્માંડમાં બીજો કોઈ હોઈ શકે ?
૩.
નિસર્ગનું મૌન-સંગીત
આભની ઊંચી અટારીએથી અવતરતું વર્ષાબુંદ ધરતીમાં સમાઈ જાય ત્યારે એક તૃણ ઊગે છે. મેઘબિંદુ જાતને જમીનમાં લુપ્ત કરે ત્યારે નવસર્જન થાય છે...
અબજો જળબિંદુઓમાંના એક જ બિંદુ પાસેથી કેવડો મોટો સંદેશો મળે છે ! આ સૌ આત્મબોધ અર્પે છે કે સૃષ્ટિમાં સર્જન-વિસર્જનની પ્રક્રિયા શાંતભાવે સતત ચાલુ છે. નિસર્ગની આ અબોલ ભાષાને સાંભળવાના કાન ક્યાંથી લાવવા ?
૪.
આને કહેવાય માનવ?
પંખી.બાળને ચણતાં કે ઊડતાં, હરણાના બચ્ચાને દોડતાં, સિંહના બચ્ચાને શિકાર કરતાં, હંસના બચ્ચાને તરતાં શીખવવું પડતું નથી. એ બધાં પ્રકૃતિ સંગાથે આપોઆપ શીખે છે, જ્યારે માનવબાળને સૂતાં, બેસતાં, ચાલતાં, દોડતાં, ખાતાં, ભણતાં - બધું જ શીખવવું પડે છે. જિવાતા જીવનનો દરેક વ્યવહાર શીખવવો પડે છે, છતાં માણસ માને છે કે પોતે સૌથી વધુ બુદ્ધિશાળી- શક્તિશાળી છે ! આ કેવી કરુણતા !
૫.
ભાવભર્યું જીવન : સફલ-સભર
વિશ્વ આખું ભાવાત્મક સંબંધથી સભર છે. પરસ્પર છે ત્યાં જ સાચું જીવનસંગીત ગુંજે છે, માનવીને ભાવ મુશ્કેલીમાં હૂંફ અર્પે છે, અંધકારમાં દીવાદાંડી બને છે. ક્યાં આધિ, વ્યાધિ, ઉપાધિના ત્રિવેણીસંગમ સમા સુદામા અને ક્યાં અઢળક ઐશ્વર્યના સ્વામી શ્રીકૃષ્ણ... સુદામા તો તાંદુલ જેવી નાચીજ ચીજ પણ પડોશમાંથી માગીને લઈ ગયેલા ! મૈત્રીના ભાવસેતુ પરનું આ મિલન વિશ્વઇતિહાસમાં અમર છે. ક્યાં અખિલબ્રહ્માંડ- અધિનાયક શ્રીરામ અને ક્યાં જંગલની ભીલ મહિલા શબરી ! એઠાં બોર ભાવભેર આરોગ્યાં. જ્યાં ભાવ છે ત્યાં સત્તા-સંપત્તિની દીવાલો તૂટી જાય છે.
ભાવ એ જ જીવન છે, અ-ભાવ એ મૃત્યુ છે સંબંધનું.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો