28 ફેબ્રુઆરી 2023

ઝળહળ ઝાકળ - ચિંતન પુષ્પો, ભાગ -૨

 


૬.
યે કહાની હૈ દીયે કી ઔર તુફાન કી

આધાતજનક આશ્ચર્યની વાત એ છે કે પૃથ્વીપટે જે-જે લોકોએ સત્યની નવી કેડી કંડારવાનો પ્રયાસ કર્યો છે તે સૌનો પ્રથમ વિરોધ પરિવારમાંથી થયો, પછી સમાજે પીડ્યા, તિરસ્કૃત કર્યા અને મારી પણ નાખ્યા ! સૉક્રેટિસ, જિસસ, દયાનંદ સરસ્વતી, ગાંધીજી... યાદી લાંબી થાય ! વિરાટ માનવજાતને સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા, શાંતિનો માર્ગ ચીંધનારાઓને મારી નાખ્યા આ પાગલ પ્રજાએ અને પછી ? મરણોપરાંત તેમની પૂજા કરી ! પૂતળાં રાખ્યાં ! શું માનવજાત પોતાના મસીહાઓને જીવતેજીવત ઓળખી શકતી નહીં હોય ?


૭.
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી!

ધોધમાર વરસાદ પડી ગયા પછી વગડામાં ચોમેર લીલું ઘાસ ઊગી નીકળ્યું. એ તૃણાંકુરો વચ્ચે વેંત એકનો રોપડો... દસ-બાર પર્ણો... ને ઉપર ઊગ્યું ફૂલ ! એ નાનકડા પુષ્પને પૂછ્યું : “તને અહીં મજા આવે છે ?’ સ્મિતસભર સુવાસ-સ્વરે જવાબ મળ્યો : “બહુ જ.” હવાની હળવી લહેરખીએ એ ડોલ્યું. બીજો પ્રશ્ન પૂછ્યો : “તને શું થવું ગમે ?”' જવાબ : “કેમ ? મને તો ફૂલ જ થવું ગમે !''

માનવબાળને આ પ્રશ્ન પૂછવાથી જવાબ મળે : “ડૉક્ટર, પાઈલટ, વકીલ, એન્જિનિયર કે...કે...કે..” કોઈનેય માનવ થવું ન ગમે ! આવી તાલીમ કે'દી મળશે ? મળશે ???


૮.
જેના જીવનમાં વ્યવસ્થા, તેની કાયમ ઊંચી અવસ્થા

દરેક નાનકડા ગણાતા કામમાં ભાવ ભળે ત્યારે એ ભક્તિભીનું બની રહે છે. મહિલાઓને કામ કરતી જોઈ હશે, પણ ‘નીરખી’ નહીં હોય ! સંજવારી-પોતાં દ્વારા સફાઈયજ્ઞ કરવો. રસોઈમાં વિવિધ વાનગી બનાવવી એકથી વધુ મહિલાઓ કામ કરતી હોય, છતાં શાકમાં મીઠું બમણું ન હોય ! વાસણ માંજવાં, ઠેકાણે મૂકવાં, વસ્ત્ર ધોવાં સૂકવવાં...

જે રોજિંદાં એકધારાં અને તેથી કંટાળાજનક લાગે તેવાં કાર્યોમાં પણ ચીવટ, ધીરજ, સુઘડતા જોવા મળે. ને પુરુષ ? ઘરમાં પ્રવેશતાં જ બૂટ- ચપ્પલનો ઉલાળિયો કરતો હોય. જે ચપ્પલને પણ વ્યવસ્થિત મૂકી શકતો ન હોય તે જીવનનાં મોટાં કાર્યો કઈ રીતે કરી શકે ?

૯.
સમજ્યા?

એક સંયુક્ત કુટુંબ ભાંગી પડે તેવી સ્થિતિ નિર્મિત થઈ. કુટુંબ એક રહે તેવા પ્રયાસો માટે બેઠક મળી, પણ કોઈ કોઈનું સાંભળે નહીં. આ પરિવારમાં પરણીને તાજી આવેલી કોઠાડાહી વહુએ સાવરણીમાંથી એક સળી કાઢી અને સૌના દેખતાં વિશાળ ખંડમાં સંજવારી કાઢવા લાગી. વહુના કામને જોઈને બધાં હસ્યાં, બોલ્યાં : “આ શું કરો છો,
વહુ ?” “બસ સંજવારી કાઢું છું !”
“પણ એક સળીથી ” ?
“ના, જરૂર પડશે તો પછી બીજી અને ત્રીજી સળી લઈશ ને !”
“પણ તેના બદલે આખી જ સાવરણી લો ને !”
“તો તમે બધાં જ લો ને !''


૧૦.
‘એમાં શું ?' - આ શબ્દે કર્યા અનેકને બરબાદ !

કોઈના ઘરના નળમાંથી પાણી સતત ટપકતું હોય, બિનજરૂરી લાઈટ-પંખા ચાલુ રહેતાં હોય... આપણે પૂછીએ, તો કહેશે : “એમાં શું ? અમારે પાણી ચોવીસેય કલાક આવે છે ને લાઈટનું મીટર ‘માપે' ફરે છે !'' દયા આવે, પણ આવું બોલનારને ખબર નથી કે તેનો લગ્નોત્સવ નજીકમાં જ છે, જ્યાં કંગાલિયત નામની કન્યા તેને વરમાળા આરોપતી હોય, ગરીબી (અ)મંગળ ગીતો ગાતી હોય, દારિદ્ર ઢોલ વગાડે ને ભૂખ ડિસ્કો ડાન્સ કરતી હોય ! થાળીમાં પડતું મૂકનારા પણ અન્નપૂર્ણાની અવહેલના કરતા હોય છે. આને વૈભવ કહેવાય ? ના. તો ? આને આફતને આદરભર્યું આમંત્રણ કહેવાય !

ઝળહળ ઝાકળ - ચિંતન પુષ્પો ભાગ ૧

પ્રો.ડૉ.મહેન્દ્ર છત્રારા ના વિખ્યાત પુસ્તક ઝળહળ ઝાકળમાંથી સાભાર...

૧. 
પ્રાર્થનાની પરિભાષા પહાડીઓમાંથી પ્રભાતે ડોકિયું કરતો સૂર્ય હોય કે છલકાતા સરોવરની પાળ હોય, દિવ્ય સંગીત રેલાવતી સરિતાનો પટ હોય કે ઘેઘૂર વનની લીલીછમ સુશાંત વૃક્ષઘટાઓ હોય, ફેનિલ સાગરના અફાટ ઝળહળતા જળમાં આથમતા સૂર્યનો લાલબંબોળ ગોળો હોય કે અમાસની તારાખચીત ઝિલમિલ મધ્યરાત્રિ હોય. પૂર્ણિમાની ‘શુભ્ર જ્યોત્સના પુલકિત યામિની” હોય - પ્રકૃતિના પ્રભાવે આભારવશ હૈયું પરમાત્માને ઝૂકી રહે તે પ્રાર્થના. તેને ભાષાની જરૂ૨ રહેતી નથી. અવાક્ નિસર્ગની સૌંદર્યશોભા અંતરના તાર ઝંકૃત કરી દે એ જ પ્રાર્થના !
૨.
પરમ મુર્ખોતમ
માણસને સૌથી બુદ્ધિશાળી પ્રાણી કહેવામાં આવે છે, પણ વિચાર કરતાં તે સૌથી વધારે મૂર્ખ લાગે છે ! પશુ- પક્ષી સમગ્ર સૃષ્ટિમાં ગમે ત્યાં વિહરી શકે, તેમને જ્ઞાતિ- જાતિના વાડા નહીં, દેશ-પરદેશના સીમાડા નહીં, માણસે જમીન પર સરહદો આંકી, સાગરમાં સીમાઓ આંકી, તેના માટે લોહિયાળ યુદ્ધો કર્યાં.
હવે તે અવકાશમાં તેવું કરવા પ્રવૃત્ત થયો છે. કરુણતાતો એ છે કે તેણે તેના સર્જનહારનાય ભાગ પાડ્યા છે - સોના ભગવાન જુદા - પરમાત્માને વહેંચી લીધા ! અરે ! મનુષ્યોના પણ ભાગલા પાડ્યા. જાતિ-જ્ઞાતિ, પંથ-ઉપપંથના. માણસથી મોટો મુર્ખ બ્રહ્માંડમાં બીજો કોઈ હોઈ શકે ?
૩. 
નિસર્ગનું મૌન-સંગીત


આભની ઊંચી અટારીએથી અવતરતું વર્ષાબુંદ ધરતીમાં સમાઈ જાય ત્યારે એક તૃણ ઊગે છે. મેઘબિંદુ જાતને જમીનમાં લુપ્ત કરે ત્યારે નવસર્જન થાય છે...
અબજો જળબિંદુઓમાંના એક જ બિંદુ પાસેથી કેવડો મોટો સંદેશો મળે છે ! આ સૌ આત્મબોધ અર્પે છે કે સૃષ્ટિમાં સર્જન-વિસર્જનની પ્રક્રિયા શાંતભાવે સતત ચાલુ છે. નિસર્ગની આ અબોલ ભાષાને સાંભળવાના કાન ક્યાંથી લાવવા ?

૪.
આને કહેવાય માનવ?

પંખી.બાળને ચણતાં કે ઊડતાં, હરણાના બચ્ચાને દોડતાં, સિંહના બચ્ચાને શિકાર કરતાં, હંસના બચ્ચાને તરતાં શીખવવું પડતું નથી. એ બધાં પ્રકૃતિ સંગાથે આપોઆપ શીખે છે, જ્યારે માનવબાળને સૂતાં, બેસતાં, ચાલતાં, દોડતાં, ખાતાં, ભણતાં - બધું જ શીખવવું પડે છે. જિવાતા જીવનનો દરેક વ્યવહાર શીખવવો પડે છે, છતાં માણસ માને છે કે પોતે સૌથી વધુ બુદ્ધિશાળી- શક્તિશાળી છે ! આ કેવી કરુણતા !

૫.
ભાવભર્યું જીવન : સફલ-સભર

વિશ્વ આખું ભાવાત્મક સંબંધથી સભર છે. પરસ્પર છે ત્યાં જ સાચું જીવનસંગીત ગુંજે છે, માનવીને ભાવ મુશ્કેલીમાં હૂંફ અર્પે છે, અંધકારમાં દીવાદાંડી બને છે. ક્યાં આધિ, વ્યાધિ, ઉપાધિના ત્રિવેણીસંગમ સમા સુદામા અને ક્યાં અઢળક ઐશ્વર્યના સ્વામી શ્રીકૃષ્ણ... સુદામા તો તાંદુલ જેવી નાચીજ ચીજ પણ પડોશમાંથી માગીને લઈ ગયેલા ! મૈત્રીના ભાવસેતુ પરનું આ મિલન વિશ્વઇતિહાસમાં અમર છે. ક્યાં અખિલબ્રહ્માંડ- અધિનાયક શ્રીરામ અને ક્યાં જંગલની ભીલ મહિલા શબરી ! એઠાં બોર ભાવભેર આરોગ્યાં. જ્યાં ભાવ છે ત્યાં સત્તા-સંપત્તિની દીવાલો તૂટી જાય છે.

ભાવ એ જ જીવન છે, અ-ભાવ એ મૃત્યુ છે સંબંધનું.


પ્રાર્થના

બ્લોગની શરૂઆત એક અદ્ભુત રચના 

 -  પ્રો. ડૉ.મહેન્દ્ર છત્રારા રચિત

" પ્રાર્થના " થી ....

* પ્રાર્થના એટલે પરમ કલાકારને પામવાની પ્રસન્ન પળ. 
* જીવ-શિવના મધુમય મંગલ મિલનની ક્ષણ. 
* પ્રાર્થના એટલે પરમ પિતા પરમાત્મા પ્રતિ પૂરા વેગથી વહેતું આત્મ-ઝરણું.
* પ્રાર્થના આત્માનું સંગીત છે. ઈશ્વર પ્રત્યે વ્યકત થતો અહોભાવ છે,
એ દ્રષ્ટિએ નદી પ્રકૃતિનું પ્રાર્થનામય સ્વરૂપ છે.
* વૃક્ષ જ્યારે મૂક પ્રાર્થના કરે છે, ત્યારે તેના મૌન શબ્દો પુષ્પ રૂપે પ્રગટે છે અને પરમાત્માના પ્રત્યુતર રૂપે ફળો લાગે છે, 
   વૃક્ષ વિનમ્ર ભાવે ઝૂકી રહે છે.

* અમાસની અંધારઘેરી રાત્રે ચમકતા નક્ષત્રોના ઠંડા મીઠા સંગીતમાં, સાગરના ઘૂઘવતા ફેનીલ મોજાઓમાં, 
  ઉષા-સંધ્યાના મનોહર આકાશી રંગોની અદભુત છટામાં,
દોઠતા ઝરણા અને કૂદતા હણ્ણાની ગતિમાં, સુવાસ-લિપિમાં વાત માંડતા પુષ્પની ઋજુતામાં, 
નવજાત બાળકની નિર્દોષ આશ્ચર્યસભર આંખોમાં, 
વિવિધરંગી વાયુ-નકશા દોરતા પતંગિયાની પાંખોમાં, ગાઢ અરણ્યે પર્ણ-રવ દ્વારા ગોષ્ઠિ કરતા વૃક્ષના મર્મર ધ્વનિમાં,
 - જેણે પરમાત્માને ભાળ્યો છે, તેની સાથે એકત્વ અનુવ્યુ છે, 
તેણે પછી પ્રાર્થનાના શુષ્ક શબ્દો ઉચ્ચારવાની જરૂર નથી.

આત્મા દ્રવિભૂત થઈ પરમાત્મા સાગરમાં વિલીન થવા ઝંખે,
એ પ્રાર્થનાનો પ્રારંભ !

* પ્રાર્થના પરમ સાથેનો ડાયરેક્ટ ડાયલીંગ કોલ' છે. આત્માનું સ્નાન છે. 
મુશ્કેલીમાં જ નહીં, મુદિતામાં પણ સર્વેશ્વરનું સદૈવ સ્મરણ રહે, તે પ્રાર્થનાનું સ્વરૂપ છે.

* દિવ્ય-ભવ્યની રમ્યતામાં રમણ રહેવું એટલે પ્રાર્થના. 
સીમા રહિત સૌંદર્યનું સતત સાન્નિધ્ય એ પ્રાર્થના છે. 
* શિવ-સત્ય-સુંદરની આશ એટલે પ્રાર્થના.
* ફૂલ સૌરભ સ્વરે સર્વોત્તમનું સ્તવન કરે છે,
 નભમાં નટવરનું સંગીત ગુંજે છે. 
અનિલ અખિલેશ્વરને આરાધે છે.
સમુદ્ધ મોજાઓ દ્વારા તેમના ચરણો ચૂમે છે. 
મેધધારા તેમના આશીર્વાદનો સંદેશ ઘરતી સુધી લાવે છે.
સૂર્ય કિરણોમાં તેનું તેજસ્મિત ચમકે છે.
શુભ્ર જ્યોત્સ્નામાં તેમનું હાસ્ય રેલાય છે. ઊંચે ઉઠતું તૃણાંકુર તેના વિજયની યશગાથા ગાય છે.
તે પરમ-ચરમમાં એકાકાર થવાની પુનિત પળ તે પ્રાર્થના.

* સર્જનહારના સુંદર સ્વરૂપને પ્રસન્ન મને પામવાની પરમ પળ તે પ્રાર્થના.
* સૃષ્ટા સાથે સીથા સંવાદની સ્થાપના એટલે પ્રાર્થના.
* હર્ષસભર હૈયું હરિદર્શનાતુર બની હેત ભાવે હલકી ઉઠે એ પ્રાર્થના છે.
* રમણના સ્મરણમાં જીવન-મરણ ભુલાઈ જાય,
અંતરમાં આનંદ-ઝરો ઉછળી રહે તે અલૌકિક પ્રાર્થના છે,
જેને જ્ગતની કોઈ ભાષામાં વ્યક્ત કરી શકાય નહીં. 
* ચિત્તનું ચૈતન્ય સાથેનું તાદાત્મ્ય શાંત મન્નુર પળોમાં સર્જાય, જ્ગત-કોલાહલ સરી જાય,
માયા-વિશ્વ મટી જાય, અહમ્ નું સહજ વિગલન થાય,
ત્યારે આત્માનું આનંદ ઝરણું રુમઝુમ વહી ચાલે છે,
તે સંગીત તે જ પ્રાર્થના.

* મનુષ્ય આંખો બંધ કરીને અંતરના આલોકમાં ઝાંખે છે,
ત્યારે કુતજ્ઞ ભાવે ભરાતા-ઉભરાતા હૈયામાંથી ઇશ્વરીય આનંદ-સરવાણ અનાયાસ વહે છે....
આ નિરવ-નિ:શબ્દ સંવાદની અભિવ્યકિતનું બાહ્ય પ્રમટીકરણ હર્ષાશ્રુ વડે થાય છે. 
* ઈશ્વરે રચેલા વૈવિધ્યસભર જ્ગતને અદભુત ભાવે નિહાળતો આત્મા તેના કૃપા જળમાં સ્નાન કરી,
 વિનીત ભાવે ગદગદિત થઇ પોતાના સ્વત્વને ઇશ્વરમાં ઓગાળી દઈ તન્મય બને છે, ત્યારે તેની હૃદય-સિતાર રણઝણી ઊઠે છે
તે સંગીત તે જ પ્રાર્થના.

* પર્વત-શિખરેથી વહેતુ થયેલું ઝરણું
અફળાતું-અમળાતું-પડઘાતું-પછડાતું સાગર પ્રતિ ગતિ કરે છે; તેમ સંસારી માયામાં ફસાતો છૂટતો આત્મા પ્રાર્થના વડે પ્રભુ પ્રતિ ગતિ કરે છે. * સર્વે જીવ એક પિતાના સંતાન છે,
તેવી સર્વવ્યાપકતાનો સ્વીકાર - એ પ્રાર્થનાનું પહેલું પગથિયું છે.

* મારો ઇશ્વર સર્વેમાં વ્યકત થઈ રહ્યો છે,
પાંદડે પાંદડે એ જ પરમેશ્વર નાચી રહ્યો છે, રોમ રોમમાં એ જ રામ રમી રહ્યો છે, એ જ્ઞાન ભાન થવું
એ પ્રાર્થનાની પ્રથમ શરત છે. 
* પ્રાર્થના એટલે પરમ સાથેના તાદાત્મ્ય માટેનો તરફડાટ, 
પ્રભુ સાથેની એકાંત ગોઠડી, મધુરાપતિનું મધુર મિલન.... બિંદુને સિંઘુત્વ અર્પવાની કલા.... 
પ્રકાશ કિરણોની ભાષામાં સુર્ય-ચંદ્ર-તારકો, કલરવની વાણીમાં પક્ષીઓ, 
સૌરભ લિપિમાં પુષ્પો આનંદ ભાવે વિશ્વેશ્વર ને વંદી રહ્યા છે...

આપણે પણ સૃષ્ટિના એ પ્રાર્થનામય સંગીત-પ્રવાહમાં આત્માને વહાવીએ,
વૃંદાવનની વિરહવ્યાકુળ વ્રજ-વનિતાના વહેતા આંસુ તે જ પ્રાર્થનાની ભાષા છે.
 * શબ્દોમાં ન સમાઈ શકે તે જ પ્રાર્થના....

* પ્રા.ડૉ.મહેન્દ્ર છત્રારા *



26 ફેબ્રુઆરી 2023

શુભ સ્વાગતમ્

શુભ સ્વાગતમ્...

' સ્પંદન ' - મંગલારંભ...

    સ્પંદન એટલે ગાગરમાં સાગર સમાવવાનો પ્રયાસ. વિરાટ આકાશે ઝીલમીલ ઝબક્તા તારલાઓનો શીળો પ્રકાશ ઝીલવાનો પ્રયત્ન...
  પ્રભાતે પુષ્પ - પાંદડીએ બેઠેલી ઝળહળ ઝાકળમાં આકાશ - દર્શનનો અવસર...
થોડું અમારા વિશે.. થોડું આપના વિશે.. અતૂટ સ્નેહ બંધન.. 
   ગુજરાતી સાહિત્ય - ગગને ખીલેલા વિવિધ મેઘ - ધનુષી રંગોને સ્પર્શવાનો અહેસાસ... મંગલ પ્રભાત થી શુભ રાત્રિ સુધી ગુર્જર સાહિત્ય સરિતા સ્નાનનો અદકેરો આનંદ...
 ગદ્ય - પદ્ય, વ્યક્તિ વિશેષ, વિચાર કણિકા, હાઈકુ, તાજ - બ - તાજ કાવ્યોનો અનેરો આસ્વાદ.
    આપ સૌ - અમે સૌ - આપણે સૌની ભાવના સાથે સાહિત્ય કલમને નેટ જગત પર રીફ્રેશ કરવાની તમન્ના..
 પ્રવર્તમાન સમયે નામી - અનામી સર્જકો દ્વારા વહેતા અમૃત - ઝરણાના જળ આસ્વાદનો અપાર આનંદ....
ગિરા ગુર્જરીને સાદર વંદન કરીએ, મળીએ, હળીએ આ ' સ્પંદન ' ના આંગણે...
અંતરનો અનંદભીનો આવકાર આપને...
                       - તુષાર છત્રારા 

પ્રો.ડૉ.મહેન્દ્ર છત્રારા - પરિચય.

  પ્રો. ડૉ. મહેન્દ્ર છત્રારા જન્મતારીખ : 09-05-1946 જન્મભૂમિ અને કર્મભૂમિ જામજોધપુર જિ. જામનગર) અભ્યાસ : પ્રાથમિક-હાઈસ્કૂલ શિક્ષણ, જામજોધપુર...