28 ફેબ્રુઆરી 2023

ઝળહળ ઝાકળ - ચિંતન પુષ્પો, ભાગ -૨

 


૬.
યે કહાની હૈ દીયે કી ઔર તુફાન કી

આધાતજનક આશ્ચર્યની વાત એ છે કે પૃથ્વીપટે જે-જે લોકોએ સત્યની નવી કેડી કંડારવાનો પ્રયાસ કર્યો છે તે સૌનો પ્રથમ વિરોધ પરિવારમાંથી થયો, પછી સમાજે પીડ્યા, તિરસ્કૃત કર્યા અને મારી પણ નાખ્યા ! સૉક્રેટિસ, જિસસ, દયાનંદ સરસ્વતી, ગાંધીજી... યાદી લાંબી થાય ! વિરાટ માનવજાતને સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા, શાંતિનો માર્ગ ચીંધનારાઓને મારી નાખ્યા આ પાગલ પ્રજાએ અને પછી ? મરણોપરાંત તેમની પૂજા કરી ! પૂતળાં રાખ્યાં ! શું માનવજાત પોતાના મસીહાઓને જીવતેજીવત ઓળખી શકતી નહીં હોય ?


૭.
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી!

ધોધમાર વરસાદ પડી ગયા પછી વગડામાં ચોમેર લીલું ઘાસ ઊગી નીકળ્યું. એ તૃણાંકુરો વચ્ચે વેંત એકનો રોપડો... દસ-બાર પર્ણો... ને ઉપર ઊગ્યું ફૂલ ! એ નાનકડા પુષ્પને પૂછ્યું : “તને અહીં મજા આવે છે ?’ સ્મિતસભર સુવાસ-સ્વરે જવાબ મળ્યો : “બહુ જ.” હવાની હળવી લહેરખીએ એ ડોલ્યું. બીજો પ્રશ્ન પૂછ્યો : “તને શું થવું ગમે ?”' જવાબ : “કેમ ? મને તો ફૂલ જ થવું ગમે !''

માનવબાળને આ પ્રશ્ન પૂછવાથી જવાબ મળે : “ડૉક્ટર, પાઈલટ, વકીલ, એન્જિનિયર કે...કે...કે..” કોઈનેય માનવ થવું ન ગમે ! આવી તાલીમ કે'દી મળશે ? મળશે ???


૮.
જેના જીવનમાં વ્યવસ્થા, તેની કાયમ ઊંચી અવસ્થા

દરેક નાનકડા ગણાતા કામમાં ભાવ ભળે ત્યારે એ ભક્તિભીનું બની રહે છે. મહિલાઓને કામ કરતી જોઈ હશે, પણ ‘નીરખી’ નહીં હોય ! સંજવારી-પોતાં દ્વારા સફાઈયજ્ઞ કરવો. રસોઈમાં વિવિધ વાનગી બનાવવી એકથી વધુ મહિલાઓ કામ કરતી હોય, છતાં શાકમાં મીઠું બમણું ન હોય ! વાસણ માંજવાં, ઠેકાણે મૂકવાં, વસ્ત્ર ધોવાં સૂકવવાં...

જે રોજિંદાં એકધારાં અને તેથી કંટાળાજનક લાગે તેવાં કાર્યોમાં પણ ચીવટ, ધીરજ, સુઘડતા જોવા મળે. ને પુરુષ ? ઘરમાં પ્રવેશતાં જ બૂટ- ચપ્પલનો ઉલાળિયો કરતો હોય. જે ચપ્પલને પણ વ્યવસ્થિત મૂકી શકતો ન હોય તે જીવનનાં મોટાં કાર્યો કઈ રીતે કરી શકે ?

૯.
સમજ્યા?

એક સંયુક્ત કુટુંબ ભાંગી પડે તેવી સ્થિતિ નિર્મિત થઈ. કુટુંબ એક રહે તેવા પ્રયાસો માટે બેઠક મળી, પણ કોઈ કોઈનું સાંભળે નહીં. આ પરિવારમાં પરણીને તાજી આવેલી કોઠાડાહી વહુએ સાવરણીમાંથી એક સળી કાઢી અને સૌના દેખતાં વિશાળ ખંડમાં સંજવારી કાઢવા લાગી. વહુના કામને જોઈને બધાં હસ્યાં, બોલ્યાં : “આ શું કરો છો,
વહુ ?” “બસ સંજવારી કાઢું છું !”
“પણ એક સળીથી ” ?
“ના, જરૂર પડશે તો પછી બીજી અને ત્રીજી સળી લઈશ ને !”
“પણ તેના બદલે આખી જ સાવરણી લો ને !”
“તો તમે બધાં જ લો ને !''


૧૦.
‘એમાં શું ?' - આ શબ્દે કર્યા અનેકને બરબાદ !

કોઈના ઘરના નળમાંથી પાણી સતત ટપકતું હોય, બિનજરૂરી લાઈટ-પંખા ચાલુ રહેતાં હોય... આપણે પૂછીએ, તો કહેશે : “એમાં શું ? અમારે પાણી ચોવીસેય કલાક આવે છે ને લાઈટનું મીટર ‘માપે' ફરે છે !'' દયા આવે, પણ આવું બોલનારને ખબર નથી કે તેનો લગ્નોત્સવ નજીકમાં જ છે, જ્યાં કંગાલિયત નામની કન્યા તેને વરમાળા આરોપતી હોય, ગરીબી (અ)મંગળ ગીતો ગાતી હોય, દારિદ્ર ઢોલ વગાડે ને ભૂખ ડિસ્કો ડાન્સ કરતી હોય ! થાળીમાં પડતું મૂકનારા પણ અન્નપૂર્ણાની અવહેલના કરતા હોય છે. આને વૈભવ કહેવાય ? ના. તો ? આને આફતને આદરભર્યું આમંત્રણ કહેવાય !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પ્રો.ડૉ.મહેન્દ્ર છત્રારા - પરિચય.

  પ્રો. ડૉ. મહેન્દ્ર છત્રારા જન્મતારીખ : 09-05-1946 જન્મભૂમિ અને કર્મભૂમિ જામજોધપુર જિ. જામનગર) અભ્યાસ : પ્રાથમિક-હાઈસ્કૂલ શિક્ષણ, જામજોધપુર...